સ્પેશલ ટૂલ

Dhatukam Gujarati - Udyam Prakashan    19-Nov-2021
Total Views |
કોઈપણ ઉદ્યોજક માટે ઉત્પાદકતા વધારવી હોય, તૈયાર યંત્રભાગની કિંમત ઘટાડવી હોય, આવર્તન સમયમાં બચત કરવી હોય, તો સ્પેશલ ટૂલ વાપરવાનો વિકલ્પ ખુલ્લો હોય છે. તેની પાછળનો તર્ક અને તકનીકી ઉદાહરણ સાથે સમજાવતો લેખ.
 

special tool 
 
ટૂલના ઉપયોગ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. તેમને અનુસરી સમગ્ર વિશ્વમાં ઘણી ટૂલ મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓ બજારમાં તેમના ઉત્પાદનો કૅટલોગ સાથે પ્રસ્તુત કરે છે. આ કૅટલોગમાં તેઓ તેમના સ્ટાન્ડર્ડ ઉત્પાદનો પ્રસ્તુત કરે છે. અનુભવના આધારે અને એક વિશેષ શાસ્ત્ર અનુસાર, કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં કેવી રીતે સંગ્રહ કરવી, તે હિસાબે, સ્ટૉકિંગ પૅટર્ન માટેના સામાન્ય નિયમો બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કાર્બાઇડ એન્ડ મિલની બાબતમાં 4, 6, 8, 10 મિમી. વ્યાસ, 12, 16, 20 મિમી. વ્યાસ અથવા ઇન્સર્ટ વાળા એન્ડ મિલ, 25, 32, 40 મિમી. વ્યાસ એવું સ્ટૉકિંગ પૅટર્ન હોય છે.
 
મોટા કટરની બાબતમાં 50, 63, 80, 100, 125, 160, 200, 250, 315 મિમી. વ્યાસ, આ પ્રકારનો સ્ટૉકિંગ પૅટર્ન હોય છે.
બેલ્ટનો સ્ટૉકિંગ પૅટર્ન M3, M4, M5, M6, M8, M10, M12, M16, M18, M20 હોય છે.
આ નિયમો 1877 માં ફ્રેન્ચ લશ્કરી ઇજનેર કર્નલ ચાર્લ્સ રેનાર્ડ દ્વારા સંશોધન કરીને નક્કી કરવામાં આવ્યા હતા અને તેમને ‘પ્રેફર્ડ સ્ટૉકિંગ પૅટર્ન’ નામ આપ્યું હતું. 1952 માં, તેને ISO-3 ધોરણથી વૈશ્વિક સ્વીકૃતિ મળી.
લશ્કર માટે જરૂરી અનેક પ્રકારના અને કદના ઉત્પાદનોના સંગ્રહના સંચાલનની મુશ્કેલીઓનો આ ઉકેલ રેનાર્ડે શોધી કાઢ્યો હતો. આ સંશોધન દ્વારા સાબિત થયું છે કે આ પ્રકારના સ્ટોરેજ મૅનેજિંગનો ઉપયોગ ફૅક્ટરીઓમાં દરેક પ્રકારના કામ માટે થઈ શકે છે.
 
ઉદાહરણ તરીકે, જો પહેલો આકાર 10 હોય, અને 100 સુધીના આગળના આકાર 0.5√10 (એટલે 1.58) વડે ગુણાકાર કરીને થાય છે, તો 10, 16, 25, 40, 63, 100 આ 6 આકારમાં 1 થી 100 સુધીના આકારો માટે સરળ સ્ટૉકિંગ પૅટર્ન નક્કી કરવામાં આવે છે. એનાથી પણ નાના આકાર અને વિભાજન માટે, 0.1√10 ગુણોત્તરનો ઉપયોગ થાય છે.
કારખાનામાં વપરાતા ડ્રૉઇંગ પેપર, ડ્રૉઇંગ પેન અને એન્વલપ માટે પણ સમાન ધોરણો છે. આકારોની જેમ, ટૂલની કર્તન ભૂમિતિના (કટિંગ જ્યોમેટ્રી) આધારે તેમના વર્ગો નક્કી કરવામાં આવે છે અને તે પણ ISO દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. વિવિધ ટૂલ એકી સાથે સ્ટોઅર કરવાનું સરળ હોવું જોઈએ અને તેની વ્યવસ્થા પદ્ધતિ વાપરવા માટે સરળ હોવી જોઈએ, એ બે વાતોને ધ્યાનમાં રાખીને, ઍપ્રોચ કોણ અને કટિંગ રેકના આધારે ધોરણો નક્કી કરવામાં આવ્યા છે (કોષ્ટક ક્ર. 1 જુઓ).

special tool T1 
 
કોષ્ટક ક્ર. 1
 
આ નિવેદનનો મુદ્દો એ છે કે બજારમાં ઉપલબ્ધ આકારનો ઉપયોગ કરીને વર્કશોપમાં તમામ કામ કરી શકાય છે. (એક ઉદાહરણ જોઈએ, નોટબંધી પછી થોડા દિવસો માટે, જો તમને ₹ 100 પછી અચાનક ₹ 2000 રૂપિયાની નોટ આવવાને કારણે ઉભી થયેલી ધમાલ યાદ આવે, તો તમે આ પરિસ્થિતિને સમજી શકો છો. ચલણ માટે પ્રચલિત પદ્ધતિ 1-2-5 છે અને તેને 1-2-5 શ્રેણી પણ કહેવામાં આવે છે. એટલે કે, દરેક અનુગામી સંખ્યા માટે, એકવાર 2 દ્વારા અને એકવાર 2.5 દ્વારા ગુણાકાર કરીને, આગળની સંખ્યા નક્કી કરવામાં આવે છે.
 
1, 2, 5, 10
20, 50, 100
200, 500, 1000
 
નોટોના મૂલ્ય માટે આ આંતરરાષ્ટ્રીય ધોરણ છે.
જો આ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો ઉપલબ્ધ આકારનો ઉપયોગ કરવાથી કામ સરળ બની શકે છે. કારખાનામાં, સાધનોના અભાવને કારણે થતી તકલીફને પણ ઘટાડી શકાય છે.
આ સૂત્રને સ્વીકાર્યા પછી પણ એવું લાગે છે કે જો આ કૅટલૉગ સિવાય બીજી કોઈ મદદરૂપ વસ્તુ હોય, તો તે વધુ અનુકૂળ રહેશે. આ જ (સ્પેશલ) ટૂલિંગની શરૂઆત છે.
અહીં આપણે ચર્ચા કરીશું કે આવા વિશિષ્ટ ટૂલિંગની કેમ જરૂર છે અને તેની ઉપયોગિતા શું છે. ચાલો ફક્ત લેથ માટે ઉપયોગમાં લેવાતા કેટલાક ટૂલની જાણકારી મેળવીએ.
 
ઉદાહરણ 1
 
અમુક સમયે એવું લાગે છે કે ટૂલ સ્ટેશનની કેટલીક મર્યાદાઓ છે. ખાસ કરીને જ્યાં લીનિયર ટૂલિંગનો ઉપયોગ થાય છે, ત્યાં ઘણી વખત આ નજરે આવે છે. ટૂલની સંખ્યા મર્યાદિત છે અને પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે કામ પૂર્ણ કરવા માટે વધુ ટૂલની જરૂર પડે છે. આ પરિસ્થિતિમાં, એક જ જગ્યાએ બે ટૂલ લગાવીને આ સમસ્યા દૂર કરી શકાય છે.
ચિત્ર ક્ર. 1 માં આપ જોઈ શકશો કે એક જ બારની એક બાજુ પર ટર્નિંગ ઇન્સર્ટ અને બીજી બાજુ પર થ્રેડિંગ ઇન્સર્ટ લગાડેલું છે. એક વાર ટર્નિંગ ઇન્સર્ટવાળી સાઇડ પોતાનું કામ કરશે અને પછી, સ્પિન્ડલ રોટેશન બદલીને, થ્રેડિંગ ઇન્સર્ટ કામ કરશે.
 
special tool img1
 
ચિત્ર ક્ર. 1
ઉદાહરણ 2
 
ચિત્ર ક્ર. 2 માં, સમય બચાવવા માટે સ્પેશિયલ ટૂલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. બોઅરિંગ ટૂલ 20 H7 બોઅર કર્યા પછી, પાછલા ઇન્સર્ટથી 34 મિમી. વ્યાસનો ફેસ બની જાય છે અને એ જ વખતે એક અલગ ઇન્સર્ટથી અંદરનું ચૅમ્ફર બની જાય છે. બધા કામ એક જ પાસમાં થઈ જવાથી સમય બચે છે અને ઉત્પાદન વધવાથી નંગ દીઠ કિંમત ઓછી થઈ જાય છે.

special tool img2
 
ચિત્ર ક્ર. 2
 
બોઅર અને ફેસ કરવા માટે બનાવેલું 19.5 મિમી. વ્યાસનું રફિંગ ટૂલ ચિત્ર ક્ર. 3 માં દેખાડ્યું છે.
 

special tool img 3 
ચિત્ર ક્ર. 3
 
 
ઉદાહરણ 3
 
બોઅર પછી પાછળનો ફેસ કરવા માટે આ ટૂલનો ઉપયોગ કરવાથી સમયની બચત થાય છે અને વધુ સારા સમકોણ મળે છે
(ચિત્ર ક્ર. 4).
 
અહીં સી.એન.સી. લેથના સ્પિન્ડલમાં આર્બર પકડીને એના પર અલગ અલગ દિશામાં ફરતા કટર લગાડ્યા છે. અને ફિક્શ્ચર પર ક્રૅન્કશાફ્ટ લગાડીને, કોઈપણ મોંઘા મશીનોનો ઉપયોગ કર્યા વિના, રફિંગ કામ ખૂબ ઓછા ખર્ચે કરવામાં આવ્યું છે (ચિત્ર ક્ર. 5).
special tool img4 
ચિત્ર ક્ર. 4

special tool img 5 
 
ચિત્ર ક્ર. 5
 
આ રીતે, જરૂર પડે ત્યારે અને ઉત્પાદનની કિંમત વ્યાજબી રાખવા માટે સંખ્યાબંધ વિશિષ્ટ ટૂલનો ઉપયોગ કરી શકાય છે. તો પણ જ્યાં સુધી શક્ય હોય, ત્યાં સુધી જે ટૂલ હાજર હોય તેનો ઉપયોગ કરવો જોઈયે. ‘ઉત્પાદન વધારવું હોય તો ખાસ ટૂલનો ઉપયોગ કરવો’ આ સૂત્ર હંમેશા ધ્યાનમાં રાખવું જરૂરી છે.
 
9822881939
દત્તા ઘોલબા ‘માનસ એન્જીનિયરિંગ કૉપોરેશન’ કંપનીના સંસ્થાપક ડાયરેક્ટર છે. તેઓ 45 વર્ષથી કટિંગ ટૂલના ક્ષેત્ર સંબંધિત કામ કરે છે.